વડીલોને વિનંતી

હે પરમપૂજ્ય વડીલો ! અમને 'સંપૂર્ણપણે' ખુશ થવા દો ને !! 

ઉર્ફે 

વડીલોને વિનંતી

                  વડીલોને કાંઇ વઢાય ? વડીલોને તો માત્ર વિનંતી જ કરી શકાય. એટલે મારી આ ખીજ કે દાઝને હું વિનંતી સ્વરૂપે રજૂ કરું છું.
                  મારી આ વિનંતી માત્ર પેલા પચાસ વટાવી ગયેલા અને સિનિયર સિટિઝનશીપનો 'બધી રીતે' લાભ લેતા વડીલોને જ નથી, પરંતુ હું એ તમામને 'વડીલ' ગણું છું કે જે પોતાની જાતને પોતાની ઉંમરના બીજા લોકો કરતા વધુ શાણા (હા 'શાણા', 'ડાહ્યા' નહીં !) ગણે છે ! એટલે એમ જોઇએ તો વડીલ ગમે તે ઉંમરના હોઇ શકે. તો એવા તમામ વડીલોને વિનંતી છે કે તેઓ જેને 'બાળક' કે 'છોકરાં' ગણે છે તેને 'સંપૂર્ણપણે' ખુશ થવાની રજા આપે.
                   હવે બધાને થશે કે આ વળી કેવી વિનંતી છે !? તો હું સ્પષ્ટ કરું. ધારો કે કોઇ છોકરી કે છોકરાને કશુંક બહુ ગમે છે, એટલે કે એને કશાકનો ગાંડો શોખ છે કે એવી કોઇ પ્રવૃત્તિ કરવામાં એ ભાન ભૂલી જાય, એ શોખને એ એટલો માણે કે એની જાત સુધ્ધાં થોડીકવાર માટે એ ભૂલી જાય છે. એ પ્રવૃત્તિના આનંદમાં એ દૂનિયાની તમામ વસ્તુ/ઘટના/વ્યક્તિને નજરઅંદાજ કરે છે... પણ માઇન્ડવેલ, માત્ર થોડીકવાર માટે જ ! માત્ર અમૂક ક્ષણો માટે કોઇ છોકરી કે છોકરાને એની ગમતી રમત, પ્રવૃત્તિ, ઘટના, કલામાં ખોવાઇ જવુ છે, ડૂબી જવું છે...તો ત્યારે જ અમૂક લોકોમાં અચાનક 'વડીલપણું' પ્રગટે છે ! એ લોકોને આ થોડીક ક્ષણો અસહ્ય લાગે છે. એ વડીલપણાનો ભાર લઇને ફરતા લોકો જોઇ જ નથી શકતા કોઇને આવો આનંદ કરતા ! એ પોતે તો જડ, બંધિયાર થઈ ગયા હોય એટલે થોડું ક્ષિતિજપાર જઇને વિચારી પણ ન શકે કે સામેવાળાં 'છોકરાં'ને એની ગમતી વસ્તુમાં કેટલો આનંદ આવે છે...એટલે પછી કશાય કારણ વિના આ લોકો એ નિર્દોષ આનંદમાં વિક્ષેપ પાડે. કેવી રીતે ખબર છે ? જોકે ખબર જ હશે, તમે બધાએ આ ક્ષણો અનુભવી હશે. એ લોકો ભવિષ્યનો નિરર્થક ભય બતાવે...જેમકે, "ભવિષ્યમાં આ વસ્તુ નહિ મળે ત્યારે શું કરશો ?"
                   ધારો કે કોઇ છોકરીને કશાકનો આવો ગાંડો શોખ હોય તો આવા વડીલો કહેશે, "સાસરે જશો પછી શું કરશો ?" અને પેલી છોકરી અત્યારે જે વસ્તુ તન્મયતાથી માણી રહી હોય, એમાં કશુંક એને ખૂંચે. એ વાસ્તવિકતા છે કે આ જ શોખ ભવિષ્યમાં કદાચ મૂકી પણ દેવો પડે, પણ તો અત્યારથી જ એ યાદ અપાવવાની શું જરૂર છે ? છોકરીઓ જે પ્રવૃત્તિ કરે, એ જે માણે એ સાસરે નહિ જ મળે એવી જાણે ખાતરી હોય એમ આવા વડીલો વાત કરે ! અને સમય જતા પેલી છોકરીને 'સાસરું' એ શબ્દ જ હોરર ફિલ્મ જેવો લાગવા માંડે.
                   અને માત્ર છોકરીઓ જ નહિ, છોકરાઓ સાથે પણ એ લોકો આવા જ 'કઠોર વાસ્તવવાદી' બને. જેમકે કોઇ છોકરાને પણ કશાકનો ગાંડો શોખ હોય, તો જ્યારે એ એનો શોખ તલ્લીનતાથી માણી રહ્યો હોય ત્યારે જ આવા વડીલો શબ્દોની ટાંકણીઓ સાથે હાજર થઇ જાય, રાધર ફૂટી નીકળે ! અને કંઇક આવા મતલબના વિધાનો કરે કે, "બેટાઓ, અત્યારે જવાબદારી નથી, પપ્પા કમાય છે...નોકરી કરવાની આવશે ત્યારે આ બધા શોખ નેવે મૂકાઇ જશે." અને પેલો છોકરો જે પોતાની ગમતી પ્રવૃત્તિમાં ડૂબી ગયો હોય એને અચાનક આ કડવી વાસ્તવિકતા યાદ આવે, અને અત્યારે એ જે માણી રહ્યો હોય એને પછી પૂરેપૂરુ, એના સર્વસ્વથી એ ન માણી શકે. એમાં ઓટ આવી જાય.પેલા વડીલોને આવું થાય એમાં બહુ મજા આવે. જેમ છોકરી માટે 'સાસરું' એમ છોકરા માટે 'નોકરી' ! બધાને ખબર છે કે ભવિષ્યમાં બધું બદલાઇ જ જવાનું છે...પણ અત્યારથી જ એનો ભાર મનમાં શું કામ લેવાનો કે આપવાનો ? ભૂત, ભવિષ્યની પળોજણ વિના તો માત્ર બાળકો જીવતા હોય છે અને એ આનંદ જ કુદરતી છે, ચિંતાઓ તો મેનમેઇડ છે. તો જ્યારે બાળકો, ટિનેજરો, કોલેજીયનો (ટૂંકમાં આવો કુદરતી આનંદ માણી શકતા 'કોઇ પણ ઉંમરના' યુવાનો) સંપૂર્ણપણે મસ્તીથી અને નિર્દોષતાથી કશું માણી રહ્યા હોય ત્યારે આવા 'કહેવાતા' વડીલો એમના બનાવેલા તકલાદી ચિંતાના અને ભયના પોટલાઓ એમના માથે શું કામ ફેંકે છે ? એમાં એમને શું આનંદ મળે છે ? કે પછી આ એમની પરપીડનવૃત્તિનું એક સ્વરૂપ છે ?
                      જે હોય તે, પણ આવી વૃત્તિવાળા તમામ ઉંમરના વડીલોને મારી વિનંતી છે કે, "તમે જેમને બાલીશ, ઇમ્મેચ્યોર ગણો છો, એમને આવા આકરા ભય ન બતાવો, પ્લીઝ ! એમના સહજ આનંદને વધાવો, એ ન થઇ શકે તો શાંત રહો, પણ એમના આ આનંદને ખીલતા અટકાવો નહિ. અને તમારી પરપીડનવૃત્તિને કાબૂમાં રાખો. કોઇ ફિલ્મ જોવામાં ખૂબ રસ પડ્યો હોય ને આંખનું મટકુંય માર્યા વગર એ માણી રહ્યા હોઇએ, ત્યારે અચાનક કાળા બેકગ્રાઉન્ડમાં સફેદ અક્ષરે 'ધૂમ્રપાન સે કૅન્સર હોતા હૈ' એવું લખાઇને આવે, ત્યારે જે દાઝ ચડે, એવી જ લાગણી, હે પૂજ્ય વડીલો ! તમારા આ રીતના વર્તનથી અમને થાય છે. પણ તમને 'પૂજ્ય' માનીને હું મારી જેવા તમામ 'ઇમ્મેચ્યોર' લોકો વતી માત્ર તમને વિનંતી જ કરું છું કે, "હે પૂજ્ય વડીલો! પ્લીઝ, અમને 'સંપૂર્ણપણે' ખુશ થવા દો ને...!"

Comments

Popular posts from this blog

Why 'ONLY' Hero dies in latest movies ?

Review of the movie Article 15