શ્રાવણ મહિનામાં વ્રતો અને શિવપૂજા પાછળનું તથ્ય
શ્રાવણ માસ એટલે શિવભક્તિનો માસ, વ્રતો અને ઉપવાસોનો માસ, તહેવારોનો માસ, વિધિવિધાનોનો માસ. આ ઉપવાસ, શિવભક્તિ, વિધિઓ વગેરે સદીઓથી ચાલ્યું આવે છે. આપણા આર્ષદ્રષ્ટા અને જ્ઞાની એવા ઋષિઓએ સંપૂર્ણ અભ્યાસ અને સંશોધન કરીને બનાવેલી આ પરંપરાઓ છે જે આજે પણ એટલી જ પ્રસ્તુત છે.
આજે હું તમારી સમક્ષ શિવલિંગની બીલીપત્રથી થતી પૂજા, શ્રાવણ માસમાં થતા ઉપવાસો અને એની સાથે જોડાયેલું વિજ્ઞાન એની વિશે થોડી વાત કરીશ.
સૌપ્રથમ તો શિવ કે શંકર ભગવાનને આપણે બે સ્વરૂપે પૂજીએ છીએ. એક મૂર્તિ સ્વરૂપે અને એક શિવલિંગ સ્વરૂપે. એમાં શ્રાવણ માસમાં મુખ્યત્વે આપણે શિવલિંગની બિલ્વપત્રથી પૂજા કરીએ છીએ. આ બન્ને પાછળ અમુક તર્ક અને કારણો જોડાયેલા છે.
ધરતી એ આપણા માટે ઉર્જાનો સ્ત્રોત છે. શિવલિંગની રચના એવી હોય છે કે જેમાં ધરતીમાં રહેલી મહત્તમ ઉર્જા સંગ્રહાય છે. વળી શિવલિંગની આજુબાજુના રેડિએશન એટલા તીવ્ર હોય છે કે એની નજીક ઉભા રહેવા માત્રથી એની અસર અનુભવી શકાય. અને એને સ્પર્શ કરવાથી એ એનર્જીનો સંચાર આપણામાં થાય. દેખીતી રીતે આ બહુ સૂક્ષ્મ બાબત છે પણ રોજ જો આ વિધાન કરો તો તમને શરીરમાં પોસિટીવીટી અનુભવાય એમાં બેમત નથી.
વળી, શંકરભગવાન ભલે વિનાશના દેવ હોય પણ શિવલિંગ એ સર્જનનું પ્રતીક છે. શિવના દેહમાંથી ધરતીને મળેલું એ શકિતત્વ છે. શિવલિંગ એ ખરેખર તો પુરુષ અને સ્ત્રી શક્તિનું સંયોજન છે. અને બન્નેનો સુમેળ જ શક્તિ અને સર્જનનું કારણ બને એવું સૂચવે છે. ઉપરાંત શ8વલિંગની આસપાસના ક્ષેત્રમાં નકારાત્મકતા અને દુષ્ટતા ટકી શકે નહીં એવા વેવ્ઝ એમાંથી નીકળે છે.
હવે બિલીપત્ર. શિવપૂજાની આ મુખ્ય વિધિ છે. એની પાછળનું કારણ એ છે કે બિલ્વવૃક્ષ ખૂબ બધા ઔષધીય ગુણો ધરાવતું વૃક્ષ છે. એની છાલ, પર્ણો, ફળ સહિત આખું વૃક્ષ આરોગ્યની દ્રષ્ટિએ લાભકારક છે.
બિલ્વ મુખ્યત્વવે ઠંડક પ્રદાન કરતું વૃક્ષ છે. એટલે શિવલિંગમાંથી ઉત્પન્ન થતી અતિ ઉર્જા સાથે સંતુલન કરવા બિલ્વપર્ણ એને ઢાંકવામાં આવે છે. બીલીના વૃક્ષમાંથી મહત્તમ ઓક્સિજન મળે છે એટલે ઘરમાં એ વૃક્ષ વાવવાનો મહિમા છે. અને જેટલી વાર તમે એની છાયામાં રહીને પાન તોડો એટલી વાર એ શુદ્ધતા તમારા શરીરમાં જાય. બીલીની છાલનું તાવીજ ઘણા લોકો પહેરે છે જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
હવે વ્રત ઉપવાસ પાછળનું તથ્ય. શ્રાવણ માસ એ વરસાદની ઋતુમાં આવે છે. આ સમયે આપણી પાચનશક્તિ એકદમ મંદ હોય છે અને આયુર્વેદ પ્રમાણે આભાસી ભૂખ આ સમયે વધુ લાગે છે. આભાસી ભૂખ એટલે ખરેખર જમેલું પચ્યુ ના હોય પણ આપણને ભૂખ લાગી છે એવું થયા કરે. આ સમયે અનાજ કરતા ફળો વધારે ફાયદાકારક બને. જે સરળતાથી પચે અને શરીરને સ્વસ્થ રાખે. એના સિવાય ઉપવાસ એ સ્વયંશિસ્ત નું એક માધ્યમ છે. સ્વાદ ઉપર, ઈચ્છાઓ અને મોહ ઉપર આપણે નિયંત્રણ રાખતા શીખીએ એટલે ય ઉપવાસો કરવામાં આવે છે. એટલે તન સાથે મન પણ તંદુરસ્ત રહે અને આપણે સર્વાંગી રીતે વિકસી શકીએ. સાથે આ વ્રતો દરમ્યાન સતત ભગવાનનું સ્મરણ કરવાનો મહિમા છે જે આપણને બ્રહ્મતત્વ સાથે જોડાવાનું સૂચવે છે. એટલે શરીર એક મંદિર ગણીને એને સ્વસ્થ રાખવાનું અને મનને દેવતા ગણીને એને બ્રહ્મમાં લીન કરવાનું એટલે "અહં બ્રહ્માસ્મિ" અને "જીવ એ જ શિવ" એ વાત સાર્થક થાય.
Indianscriptures.com
વિશ્વકોશ.
Comments
Post a Comment